નવસારી

વાંસદામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવતા ચકચાર

જુવાનજોધ દીકરાનો મૃતદેહ જોઈ ભાંગી પડેલા માતા-પિતાએ પણ તે જગ્યાએ જ જીવનનો અંત આણ્યો

હાઈલાઈટ્સ:

  • માનસિક રીતે અસ્થિર રીતે થયેલા યુવકે આપઘાત કરતા માતા-પિતાએ જીવન ટૂંકાવ્યું
  • બનાવને પગલે સરપંચ સહિતના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને જાણ કરાઈ
  • પોલીસે માતા-પિતા અને પુત્રના મૃતદેહ હોસ્પિટલ ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે

વાંસદા તાલુકામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર માનસિક રીતે અસ્થિર થયેલા યુવકે આપઘાત કર્યો હતો. જો કે, જુવાનજોધ દિકરાની લાશ જોઈને ભાંગી પડેલા માતા-પિતાએ પણ તે જગ્યાએ જ જીવનનો અંત આણ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતદેહોને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા અને સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પુત્ર પાછળ માતા-પિતાએ પણ દુનિયા છોડી
પ્રાપ્ત વિગતો મુજબ મોળાઆંબા ગામે ટાંકા ફળિયામાં રહેતા એકજ પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરી લેતા પોલીસ દોડતી થઈ હતી. મૃતક યુવકની ઓળખ યોગેશ જતરભાઈ ઘાટળ તરીકે થઈ છે જેને છેલ્લા એક વર્ષથી સતત તાવની બીમારી રહેતી હોવાથી તે માનિસક રીતે અસ્થિર થયો હતો અને તે ઘરના સભ્યો કે અન્યો સાથે પણ વાત કરતો ન હતો. યુવકે અગાઉ પણ ત્રણ વાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જો કે, પરિવારે તેને બચાવી લીધો હતો.

એકસાથે ત્રણ મૃતદેહો મળી આવતા ચકચાર
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કલાકો સુધી કોઈ ભાળ ન મળતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પુત્રની બાજુમાં માતા-પિતાનો પણ આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે મોળાઆંબા ગામ અને વાંસદા તાલુકામાં ચકચાર મચી ગઈ હતી. મૃતકોની ઓળખ યોગેશ, ગોપજીભાઈ, મનકીબેન તરીકે થઈ છે. ત્રણેયના મૃતદેહ મળી આવતા ગામના સરપંચ સહિતના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક વાંસદા પોલીસને ઘટના અંગે જાણ કરવામા આવી હતી.

બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે
બનાવને પગલે વાંસદા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પુત્ર અને માતા-પિતાની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે વાંસદા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી ઘટનામાં અમરેલીના સાવરકુંડલામાં પરિવારના બે સભ્યોના આપઘાત કર્યો હોવાનો બનાવ બન્યો છે. જેમાં વાંસદા પોલીસે દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી ZATPAT News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | Navsari live Youtube| Zatpat News | Telegram | Whatsapp Group

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!