ખેલ જગત

T20 વર્લ્ડ કપઃ 16 ટીમો અને 45 મેચ, જાણો કેવું છે ટુર્નામેન્ટનું ફોર્મેટ

ICC દ્વારા ટી20 વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કરાયો છે, રાઉન્ડ-1 અને સુપર-12 ગ્રુપમાં રાખવામાં આવી છે ટીમો

હાઈલાઈટ્સ:

  • આ વર્ષે ટી20 વર્લ્ડ કપ યુએઈ-ઓમાનમાં રમાશે, 17 ઓક્ટોબરથી ટુર્નામેન્ટની શરૂઆત થશે, 14 નવેમ્બરે ફાઈનલ
  • ટી20 વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો હતો પરંતુ કોરોના વાયરસની પરિસ્થિતિના કારણે ભારત બહાર રમાડવો પડી રહ્યો છે
  • રાઉન્ડ-1માં આઠ ટીમો રમશે જેમાંથી ચાર ટીમ સુપર-12માં આવશે, સુપર-12માં પહેલાથી જ 8 ટીમો છે

આગામી ટી20 વર્લ્ડ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 17 ઓક્ટોબરથી ટુર્નામેન્ટનો પ્રારંભ થશે અને 14 નવેમ્બરે ફાઈનલ રમાશે. આ સાતમો ટી20 વર્લ્ડ કપ હશે. વેસ્ટ ઈન્ડિઝ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે રમવા ઉતરશે. વેસ્ટ ઈન્ડિઝે 2016માં રમાયેલી ટુર્નામેન્ટમાં ટ્રોફી જીતી હતી.

ભારતમાં રમાવાની હતી ટુર્નામેન્ટ
ટી20 વર્લ્ડ કપ-2021 ભારતમાં રમાવાનો હતો પરંતુ કોરોના વાયરસની પરિસ્થિતિને જોતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેને યુએઈ અને ઓમાનમાં રમાડવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ટુર્નામેન્ટનું યજમાન બીસીસીઆઈ જ રહેશે પરંતુ તેની મેચો ભારતીય ધરતી પર રમાશે નહીં.

આ વખતે ટુર્નામેન્ટમાં 16 ટીમો રમશે
આ વર્ષે રમાનારા ટી20 વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લેવા જઈ રહી છે. આ તમામ 16 ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. તેમાંથી પ્રથમ ગ્રૂપની 8 ટીમો રાઉન્ડ રોબિન મેચો રમશે અને સુપર-12માં આવવાનો પ્રયાસ કરશે. જ્યારે બાકીની 8 ટીમોને સુપર-12 ગ્રૂપમાં રાખવામાં આવી છે જેઓ સીધી ટુર્નામેન્ટમાં રમશે.

નાની ટીમો પણ ભાગ લેશે
ટુર્નામેન્ટમાં મોટી ટીમો સાથે સાથે કેટલીક નાની ટીમો પણ ભાગ લઈ રહી છે. આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, નેધરલેન્ડ, ઓમાન, પાપુઆ ન્યુ ગિની જેવી નાની ટીમો પણ પ્રથમ વખત ટુર્નામેન્ટમાં રમશે. આઈસીસી દ્વારા મંગળવારે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. ભારત પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનનો સામનો કરશે. બંને કટ્ટર હરીફ વચ્ચે 24 ઓક્ટોબરે મેચ રમાશે.

આ પ્રકારે રહેશે ટી20 વર્લ્ડ કપનું ફોર્મેટઃકુલ ટીમો- 16 કુલ મેચ- 45

આ રીતે પાડવામાં આવ્યા ગ્રુપઃ ટુર્નામેન્ટ માટે માર્ચ 20, 2021 સુધીના ટીમ રેન્કિંગના આધારે ગ્રુપ પાડવામાં આવ્યા. 8 ટીમો રાઉન્ડ-1માં રમશે જેમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા પણ સામેલ છે. આ રાઉન્ડ ક્વોલિફાર રાઉન્ડ જેવો છે. જ્યારે અન્ય છ ટીમો આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ ક્વોલિફાયર 2019 દ્વારા ક્વોલિફાઈ થઈ છે.
ICC T20 World Cup Schedule: ભારત સૌથી પહેલી મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે
સુપર-12માં સીધો પ્રવેશ મેળવનારી ટીમોઃ ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન.

પ્રથમ રાઉન્ડમાં રમાનારી ટીમોઃ આયર્લેન્ડ, નામિબિયા, નેધરલેન્ડ્સ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઓમાન, પાપુઆ ન્યુ ગિની, સ્કોટલેન્ડ

રાઉન્ડ-1: આઠ ટીમોને બે ગ્રુપમાં રાખવામાં આવી છે. રાઉન્ડ રોબિન મેચો રમાશે જેમાંથી પ્રત્યેક ગ્રુપમાં ટોચની બે ટીમો (કુલ 4 ટીમ) આગામી રાઉન્ડમાં (સુપર-12) રમશે.

રાઉન્ડ-1 : ગ્રુપ-એઃ આયર્લેન્ડ, નામિબિયા, નેધરલેન્ડ્સ, શ્રીલંકા
રાઉન્ડ-1 : ગ્રુપ-બીઃ બાંગ્લાદેશ, ઓમાન, પાપુઆ ન્યુ ગિની, સ્કોટલેન્ડ

સુપર-12: આઠ ટીમો સુપર-12માં સામેલ છે જેમાં બીજી ચાર અન્ય ટીમો જોડાશે. જે રાઉન્ડ-1 રમીને આવશે. તેથી કુલ 12 ટીમો થશે.

ગ્રુપ-1 : ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, A1 (ગ્રુપ-એની વિજેતા ટીમ), B2 (ગ્રુપ-બીની રનર અપ ટીમ). રાઉન્ડ રોબિન મેચ દ્વારા ટોચની બે ટીમો નક્કી થશે.

ગ્રુપ-2 : ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, B1 (ગ્રુપ-બીની વિજેતા ટીમ), A2 (ગ્રુપ-એની રનર અપ ટીમ). રાઉન્ડ રોબિન મેચો દ્વારા ટોચની બે ટીમો નક્કી થશે.

નોકઆઉટઃ સુપર-12ના ગ્રુપ-1 અને ગ્રુપ-2ની ટોચની ચાર ટીમો નોકઆઉટ માટે ક્વોલિફાઈ થશે.
પ્રથમ સેમિફાઈનલઃ A1 વિ. B2
બીજી સેમિફાઈનલઃ B1 વિ. A2
બંને સેમિફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે.

ફાઈનલઃ સેમિફાઈનલ-1ની વિજેતા ટીમ વિ. સેમિફાઈનલ-2ની વિજેતા ટીમ
ફાઈનલ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી ZATPAT News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | Navsari live Youtube| Zatpat News | Telegram | Whatsapp Group

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!