ખેલ જગત

લોર્ડ્સમાં લાજવાબ રહી વિરાટ સેના, બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ભવ્ય વિજય

હાઈલાઈટ્સ:

  • બીજી ટેસ્ટ જીતવા ભારતે આપેલા 272 રનના લક્ષ્યાંક સામે ઈંગ્લેન્ડની ટીમ 120 રનમાં જ તંબૂ ભેગી થઈ
  • બીજા દાવમાં ભારતીય ઝડપી બોલર્સની ઝંઝાવાતી બોલિંગ, સિરાજની 4, બુમરાહની 3, ઈશાન્તની 2, શમીની 1 વિકેટ
  • ઈંગ્લેન્ડ માટે સુકાની જો રૂટે સૌથી વધુ 33 રન નોંધાવ્યા, જોસ બટલરનું 25 અને મોઈન અલીનું 13 રનનું યોગદાન

ભારતે લાજવાબ બોલિંગ અને બેટિંગ પ્રદર્શન કરતા લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં શાનદાર વિજય નોંધાવ્યો છે. સોમવારે મેચનો પાંચમો અને અંતિમ દિવસ ઘણો જ રોમાંચક રહ્યો હતો. જેમાં વિરાટ કોહલીની ટીમે બાજી મારી હતી અને 151 રને વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ ભારતે પાંચ મેચની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. નોંધનીય છે કે લોર્ડ્સમાં ભારતનો આ ફક્ત ત્રીજો વિજય છે. સાત વર્ષે પહેલા ભારતે 2014માં લોર્ડ્સમાં વિજય નોંધાવ્યો હતો. જ્યારે ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સમાં ભારતે 1986માં પ્રથમ વખત વિજય નોંધાવ્યો હતો.

272 રનના લક્ષ્યાંક સામે ઈંગ્લેન્ડ 120માં તંબૂ ભેગું થયું
ભારતે ઈંગ્લેન્ડ સામે જીવતા 272 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લિશ બેટ્સમેનોએ ભારતીય બોલર્સ સામે હથિયાર હેઠા મૂકી દીધા હતા. ઈંગ્લેન્ડની ટીમ 120 રનમાં જ તંબૂ ભેગી થઈ જતા તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. એક સમયે ઈંગ્લેન્ડના પૂંછડિયા બેટ્સમેનોએ વળતી લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય ઝડપી બોલર્સે તેમના પ્રયાસને સફળ થવા દીધો ન હતો.

બીજા દાવમાં શમી-બુમરાહની બેટિંગે ભારતને બચાવ્યુંલોકેશ રાહુલની સદીની મદદથી ભારતે પ્રથમ દાવમાં 364 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં ઈંગ્લેન્ડે 391 રન નોંધાવ્યા હતા જેમાં સુકાની જો રૂટે અણનમ 180 રનની ઈનિંગ્સ રમી હતી. બીજા દાવમાં ભારતની બેટિંગ વધારે દમદાર રહી ન હતી. એક સમયે ભારતે 209 રનમાં પોતાની આઠ વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં અજિંક્ય રહાણે 61, ચેતેશ્વર પૂજારાએ 45, રિશભ પંતે 22, રોહિત શર્માએ 21 અને સુકાની વિરાટ કોહલીએ 20 રનનું યોગદાન આપ્યું હતું.પરંતુ બાદમાં મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહે કમાલની બેટિંગ કરી હતી અને નવમી વિકેટ માટે ભાગીદારીનો નવો ભારતીય રેકોર્ડ નોંધાવ્યો હતો. મોહમ્મદ શમીએ તો ટેસ્ટમાં પોતાની બીજી અડધી સદી પણ ફટકારી દીધી હતી. શમી અને બુમરાહે નવમી વિકેટ માટે 89 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી. ભારતે બાદમાં 298 રનના સ્કોર પર પોતાનો બીજો દાવ ડિક્લેર કર્યો હતો. શમી 70 બોલમાં છ ચોગ્ગા અને એક સિક્સર સાથે 56 રન નોંધાવીને નોટ આઉટ રહ્યો હતો જ્યારે બુમરાહે 64 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 34 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. ઈંગ્લેન્ડ માટે માર્ક વૂડે ત્રણ, રોબિન્સન અને મોઈન અલીએ બે-બે તથા સેમ કરને એક વિકેટ ઝડપી હતી.

ભારતીય બોલર્સનો ઝંઝાવાત, ઈંગ્લિશ બેટ્સમેનો ઘૂંટણીયે
ઈંગ્લેન્ડ સામે 272 રનનો લક્ષ્યાંક હતો પરંતુ ભારતીય ઝડપી બોલર્સની ઝંઝાવાતી બોલિંગ સામે તેઓ લાચાર બની ગયા હતા. ઈંગ્લેન્ડે 1 રનના સ્કોર પર પોતાના બંને ઓપનર ગુમાવી દીધા હતા અને બંને ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. રોરી બર્ન્સ જસપ્રિત બુમરાહનો શિકાર બન્યો હતો જ્યારે ડોમિનિક સિબ્લીને શમીએ પેવેલિયન ભેગો કર્યો હતો. બાદમાં સુકાની જો રૂટ અને હસીબ હમીદે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યારે ઈશાન્ત ત્રાટક્યો હતો અને તેણે હમીદને અંગત 9 રનના સ્કોર પર આઉટ કરી દીધો હતો.

ઈંગ્લેન્ડ હજી આ ઝટકામાંથી બહાર આવે તે પહેલા ઈશાન્તે જોની બેરસ્ટોને પણ પેવેલિયનનો રસ્તો દેખાડી દીધો હતો. તેણે બે રન નોંધાવ્યા હતા. રૂટે બટલર સાથે મળીને બાજી સંભાળી હતી. આ જોડીએ ઘણા ખરા અંશે લડત આપી હતી પરંતુ તેના માટે પણ ભારતની ઝંઝાવાતી બોલિંગ સામે ટકી રહેવું મુશ્કેલ બન્યું હતું. રૂટે સૌથી વધુ 33 રન નોંધાવ્યા હતા જ્યારે બટલર 25 રન નોંધાવીને આઉટ થયો હતો. આ ઉપરાંત મોઈન અલીએ 13 રનનું યોગદાન આપ્યું હતું.

ભારત માટે મોહમ્મદ સિરાજે ધમાકેદાર બોલિંગ કરી હતી. તેણે 32 રન આપીને ચાર વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે બેટિંગમાં કમાલ કરનારા જસપ્રિત બુમરાહે 33 રનમાં બે વિકેટ પોતાના નામે કરી હતી. ઈશાન્ત શર્માએ પણ 13 રન આપીને બે બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જ્યારે મોહમ્મદ શમીને એક સફળતા મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી ZATPAT News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | Navsari live Youtube| Zatpat News | Telegram | Whatsapp Group

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!