નવસારી

નવસારી ખાતે કિસાન સન્માન દિવસની ઉજવણી કરાઈ

ખેડૂતોને આર્થિક રીતે પગભર બનાવવા રાજય સરકાર હરહંમેશા ખેડૂતોના પડખે રહી છે : ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ

રાજય સરકારના સુશાસનના પાંચ વર્ષ પુરા થયા તેની ઉજવણીના ભાગરૂપે આજે કોળી સમાજની વાડી, ખડસુપા, નવસારી ખાતે કિસાન સન્માન દિનની ઉજવણી નવસારીના ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ પ્રસંગે નવસારીનાં ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીનાં નેતૃત્વમાં પાંચ વર્ષ પુર્ણ થયાના અવસરે સમગ્ર રાજયમાં કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ખેડૂતોને આર્થિક રીતે પગભર બનાવવા રાજય સરકાર હરહંમેશા ખેડૂતોને પડખે રહીને મદદ કરી છે. જન્મથી મૃત્યુ સુધીની તમામ યોજનાઓ સરકાર દ્વારા અમલમાં છે. રાજય સરકારની સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાઓ વિશે જાણકારી આપી તેનો લાભ લેવા ખેડૂતમિત્રોને જણાવ્યું હતું. નવસારી જિલ્લામાં તાઉતે વાવાઝોડાને કારણે ખેતી તથા બાગાયત પાકો તથા ઝાડોને થયેલા નુકશાન સામે ૧૪૫૦૭ ખેડૂતોને રૂ.૧૯.૩૦ કરોડની સહાય ચૂકવણી લાભાર્થીઓને કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી કરતાં જિલ્લાના ખેડૂતને ૫૬૦ ગાયના નિભાવ માટે રૂ.૩૫.૨૪ લાખની સહાય આપવામાં આવી હતી.


ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં છે. ખેડૂતો આર્થિક રીતે પગભર બનવા માટે સાત પગલાં ખેડૂત કલ્યાણની નવી યોજનાઓ અમલમાં આવી છે. કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે ખૂબ લાભદાયી છે. ખેતી કરવા માટે રાજય સરકાર દ્વારા જે સાધન સહાય મળે છે તેનો લાભ લેવા સાથે આધુનિક ખેતી કરવા જણાવ્યું હતું.
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, કિસાન સૂર્યોદય યોજના અમલમાં આવવાથી ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો મળી રહેશે. આ યોજનાથી ખેડૂતોને રાતના ઉજાગરા, વન્યજીવ જંતુના ભય, અને કડકડતી ઠંડી તથા ચોમાસામાં પડતી મુશકેલીઓથી મુકિત મળશે. તેમજ ખેડુતલક્ષી વિવિધ યોજનાઓનો લાભ લેવા કલેકટરે ઉપસ્થિત ખેડૂતોને જણાવ્યું હતું.


નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિરે પ્રાસંગોચિત પ્રવચન કર્યુ હતું. રાજય સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીઍ ખેડૂતોના હિતાર્થે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાં કિસાન સૂર્યદય યોજનામાં નવસારી જિલ્લામાં ૬૯૧૫ ખેડૂત લાભાર્થી સહિત ૮૦ ગામોને આવરી લેવાયા. નવસારી તાલુકામાં ૪ ખેતીવિષયક ફિડરોના ૧૬ ગામના ખેડૂતોને ૧૧૫૩ ખેતી વિષયક વીજ જાડાણોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. કૃષિ વિષયક વીજ જાડાણમાં નવસારી જિલ્લામાં પાંચ વર્ષ દરમિયાન ખેડૂતનો વીજ બીલમાં રૂ.૨૧૨.૧૨ કરોડની સબસીડી આપવામાં આવી છે. તેમજ પાંચ વર્ષમાં ૧૫૨.૯૭ કરોડના ખર્ચે ૧૧૨૦૩ કૃષિ વિષયક વિજળીકરણ કરવામાં આવ્યું છે.
સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત મુખ્યમંત્રી પાક સ્ટ્રકચર યોજનામાં નવસારી જિલ્લામાં કુલ ૮૪ પાક સંગ્રહ સ્ટ્રકચર માટે રૂ.૨૨.૫ લાખની સહાય, કિસાન પરિવહન યોજનામાં જિલ્લામાં કુલ-૯૩ વાહનો માટે કુલ રૂ.૬૯.૫૦ લાખની સહાય, ફળ-શાકભાજીના ૧૩૫૪ છૂટક વિક્રેતાને રૂ.૧૮.૪૭ લાખની સહાય, ખેડૂત ખાતેદારોને ખેડૂત અકસ્માત વિમા યોજનામાં ૬૫૪ લાભાર્થીને કુલ રૂ.૫ કરોડ ૭૨ લાખની સહાય આપવામાં આવી હતી.


મુખ્યમંત્રી સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત ગાય નિભાવ, તારની વાડ, છત્રી, સ્માર્ટ હેન્ડ ટુલ કીટ, કિસાન પરિવહન યોજના હેઠળ વાહનો, મંજૂરીપત્રો/હુકમોનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને એનાયત કરાયું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા ખેતીવાડી અધિકારી એ.આર.ગજેરાએ પ્રાસંગિક પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતાં.


આ પ્રસંગે ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, ભાજપ પ્રદેશમંત્રી શીતલબેન સોની, રણજીતભાઇ, જીગ્નેશભાઇ નાયક જિલ્લા પંચાયત સમિતિના સભ્યો, સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહયાં હતાં. કાર્યક્રમના અંતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર એસ.એસ.મોદીએ આભારવિધિ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!