ઉત્તર ગુજરાત

માલપુરમાં વીજતારમાં ફસાયેલા પક્ષીનું રેસ્ક્યૂ કરવા ગયેલા યુવકને કરન્ટ લાગતાં મોત

રીપોર્ટ હિતેશ સુતરીયા.. અરવલ્લી

અરવલ્લી જિલ્લાના માલપુર ગામના બજારમાં આજે બપોરના સાડાવાર વાગ્યાના અરસામાં વીજળીના થાંભલામાં ફસાઈને તરફડિયાં મારતા કબૂતરનો જીવ બચાવવા માટે થાંભલા પર ચડેલા શ્રમજીવી યુવાન વીજકરંટ લાગવાથી જમીન પર પટકાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજે માલપુરના બજારમાં આવેલા વીજ થાંભલામાં કબૂતર ફસાઈ ગયું હતું. લોકોની અવરજવર થઈ રહી હતી અને ઘણા લોકો થાંભલામાં ફસાયેલા કબૂતરને જોઈ રહ્યા હતા, પરંતુ કોઈએ કબૂતરને બચાવવાની પહેલ કરી ન હતી. ત્યારે દિલીપભાઇ પણ બજારમાં આવ્યા હતા. એ વખતે તેમણે વીજ થાંભલામાં ફસાઈને બચવા માટે તરફડિયાં મારતા કબૂતરને જોયું હતું.

લાંબી લાકડી ના મળતાં ભૂલથી લોખંડની પાઈપ સાથે લાકડી બાંધી દીધી
તરફડિયાં મારતા કબૂતરને બચાવવા માટે ક્ષણભરનો પણ વિચાર કર્યા વિના તેમણે થાંભલા પર ચડવાનું નક્કી કરી લીધું હતું. ત્યારે કબૂતરને કાઢવા માટે લાંબી લાકડી ન મળતાં દિલીપ ભાઈએ લોખંડની પાઈપ આગળ લાકડાનો ડંડો બાંધી દીધો હતો અને થાંભલા પર ચડવાની શરૂઆત કરી હતી. એ દરમિયાન દિલીપભાઈ સામે બજારમાં કોઈએ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ એક જાગ્રત નાગરિક દિલીપભાઈની દરેક ગતિવિધિનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી રહ્યો હતો.

દિલીપભાઈ વીજ થાંભલા પર ચડીને ડંડા વડે વીજ તારમાંથી બચવા માટે તરફડિયાં મારતા કબૂતરને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ દરમિયાન ડંડો તારને અડી ગયો હતો અને અચાનક જ ધડાકાભેર સ્પાર્ક સાથે વીજળીનો ઝાટકો દિલીપભાઈને લાગ્યો હતો, જેને કારણે દિલીપભાઈ છેક ઊંચાઈ પરથી જમીન નીચે પટકાયા હતા જેને કારણે તેમને માથામાં ગંભીર ઈજાઓ થતાં પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું. ઘડી ભરમાં થાંભલા પર ચડેલા દિલીપભાઈ જમીન પર પટકાતાં આસપાસના વેપારીઓ દોડી આવ્યા હતા. તેમને સારવાર અર્થે ખસેડાય એ પહેલા જ તેમનું કરુણ મોત થતાં શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડયું હતું.

ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
અરવલ્લી જિલ્લાના માલપુર ગામે રહેતા આશરે 35 વર્ષીય દિલીપભાઈ વાઘેલાના પરિવારમાં પત્ની રેખાબેન તેમજ બે પુત્ર પવન અને બોબી તેમજ પુત્રી તુલસી છે. દિલીપભાઈ છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શરૂઆતથી જ દિલીપભાઈ પશુપક્ષીઓ પ્રત્યે અપાર પ્રેમ ધરાવતા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!