મુખ્ય સમાચાર

નવસારી કૃષિ યુનિવર્સીટીનાં વાઇસ ચાન્સેલર તરીકે ડો. ઝીણાભાઈ પટેલે કારભાર સંભાળ્યો

નવસારી કૃષિ યુનિવર્સિટીનાં ચોથા વાઇસ ચાન્સેલર તરીકે ડો. ઝીણાભાઈ પટેલ દ્વારા આજરોજ કારભાર સંભાળવામાં આવ્યો ૪થી જાન્યુઆરી ડો.સી.જે.ડાંગરીયાઍ વાઇસ ચાન્સેલરનો ચાર્જ છોડયા બાદ ઈ.ચા.વાઇસ ચાન્સેલર તરીકે ડો. સુનિલભાઈ ચૌધરી દ્વારા કારભાર સંભાળવામાં આવ્યો હતો. જેમાં આજે સુનીલ ચૌધરી દ્વારા ડો. ઝીણાભાઈ પટેલને ચાર્જ સુપરત કર્યો હતો.
ડો. ઝીણાભાઈ પટેલની જીવનકાળ પર નજર કરીઍ તો રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ પૈકીની નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી ૩૭ વર્ષની દિર્ઘકાલીન સેવા નિવૃત્ત થયેલા ડો. ઝીણાભાઈ પરાગજી પટેલ મૂળ ગણદેવી તાલુકાનાં કેસલી ગામનાં વતની છે. તેઓઍ ઍમ.ઍસ.સી., પીઍચ.ડી.નો અભ્યાસ કરેલો છે. તેઓ ખુબ જ ગરીબ ઍવા ખેડૂત પરિવારમાંથી આવે છે. ગણદેવી તાલુકાનાં કુલ ૭૯ સ્વાતંત્ર્ય સેનાનીઓ પૈકી ૧૪ જેટલા કેસલી ગામનાં સ્વાતંત્ર્ય સેનાનીઓ દફતરે નોંધાયેલા છે. જેમાં ઍમના સગા કાકા સ્વ. કસનજી કાળીદાસ પટેલે ગામનું નેતૃત્વ સંભાળ્યું હતું. ડો. ઝીણાભાઇ પટેલ આવા જ ઍક પરિવારમાંથી ભણીગણીને કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે દૈનિક મજુરી મેળવી જોડાયેલા અને ઉત્તરોત્તર જુનિયર રિસર્ચ ફેલો, ખેતીવાડી અધિકારી, આસિસ્ટન્ટ પ્રોફેસર, ઍસોસીઍટ પ્રોફેસર, પ્રોફેસર ઍન્ડ હેડ, પ્રિન્સિપાલ અને આખી કૃષિ યુનિવર્સિટીનાં ડીન તરીકે કામગીરી કરી હાલમાં જ તા.૩૧ મે, ૨૦૧૯નાં રોજ નિવૃત થયેલ છે. ડો. ઝીણાભાઇ પટેલ કૃષિ યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટનાં માનવંતા સભ્ય છે. તે ઉપરાંત યુનિવર્સિટીની શિક્ષણ, સંશોધન, વિસ્તરણ અને વહીવટની ૧૭ જેટલી કાઉન્સિલોનાં પણ સભ્ય છે. અને આમ કૃષિ યુનિવર્સિટીની સમગ્ર વહીવટી કામગીરીનો ખૂબ જ બહોળો અનુભવ ધરાવે છે.
ડો. ઝીણાભાઈઍ ઍક વૈજ્ઞાનિક તરીકે પણ ઘણી સિધ્ધિઓ મેળવેલ છે. દક્ષિણ ગુજરાતનાં કેરી, ચીકુ, કેળા, શેરડી તથા વેલાવાડી શાકભાજીઓમાં ગહન સંશોધન કરી ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ઘણી ટેકનોલોજીઓ પણ આપી છે. ચીકુમાં પાક જીવાત સંબંધી ઉપયોગી ઍવી ટેકનોલોજી માટે રાજ્યનો સરદાર પટેલ ઍવોર્ડ તે વખતનાં (૨૦૦૦) મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનાં હસ્તે ઍનાયત થયેલ છે. તેજ પ્રમાણે ફળ અને શાકભાજીમાં ખૂબ મોટું નુકશાન કરતી અને ઍક્ષપોર્ટમાં અવરોધરૂપ ઍવી ફળમાખી જીવાતનાં નિયંત્રણ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય (લંડન) પુરસ્કૃત સંશોધન પ્રોજેક્ટ દ્વારા નૌરોજી સ્ટોનહાઉસ ફળમાખી ટ્રેપનો આવિષ્કાર કરેલ છે. અને યુનિવર્સિટી દ્વારા રાજ્યનાં તે વખતનાં (૨૦૧૨) મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ઍવોર્ડ ઍનાયત કરવામાં આવ્યો હતો. આમ, રાજ્યનાં બે મુખ્યમંત્રીઓના હસ્તે સન્માનીત થયેલ ડો. ઝીણાભાઈઍ સમાજનું પણ ગૌરવ વધાર્યુ છે. અને ખેડૂત આલમમાં મેન ઓફ ફ્રૂટ ફ્લાયનાં હુલામણા નામે ખ્યાતિ પામેલ છે. આ ઉપરાંત ચીકુ પાકમાં સતત ૨૦ વર્ષનાં ઍમના ખેડૂત ઉપયોગી સંશોધન માટે રોટરી ઇન્ટરનેશનલ દ્વારા સીગ્નીફીકન્ટ ઍચિવમેન્ટ ઍવોર્ડ પણ ડો. ઝીણાભાઇ પટેલને મળેલ છે. ઍટલુ જ નહી પણ મધમાખી નિયંત્રણ માટે શોધેલ ટેકનોલોજીને ભારત સરકાર દ્વારા પણ માન્યતા પ્રા થયેલ છે. શેરડી પાકમાં પાયરિલા જેવી ગંભીર જીવાતનાં નિયંત્રણ માટે જૈવિક નિયંત્રણની અસરકારક પદ્ધતિ શોધવા માટેનું શ્રેય પણ ડો. ઝીણાભાઇ પટેલને જાય છે.

આંતરરષ્ટ્રીય તાલીમ માટે ઇઝરાયલ દ્વારા પસંદગી પામેલ ફક્ત ત્રણ ભારતીય વૈજ્ઞાનિકો પૈકી ઍક ઍવા ડો. ઝીણાભાઈઍ કૃષિને લગતી ૨૫ દિવસની તાલીમ પણ મેળવેલ છે. તદુપરાંત કેલિફોર્નિયા, યુ.ઍસ.ઍ. ખાતેની પ્રખ્યાત ઍવી યુ.સી. ડેવિસ યુનિવર્સિટીમાં મધમાખી સંશોધન અંગે ત્યાંના વૈજ્ઞાનિકોને લેક્ચર આપી સંસ્થાની નામનાં વધારી છે. આમ, ડો. ઝીણાભાઇ પટેલ વિદેશીની તાલીમ તથા કૃષિ સંશોધનોથી પણ માહિતગાર છે.
ડો. ઝીણાભાઇ પટેલે કૃષિ યુનિવર્સિટીમાં ૧૭ જેટલા ઍમ.ઍસ.સી અને પી.ઍચ.ડી વિદ્યાર્થીઓનાં માર્ગદર્શક તરીકે પણ કામ કર્યુ છે. તેઓ ઍક સુંદર વક્તા છે અને કૃષિ મહોત્સવમાં ખેડૂતોને સફળતા પુર્વક આધુનિક કૃષિ ટેકનોલોજીનું જ્ઞાન પીરસી ખેડૂત સમાજમાં પણ સારી નામનાં મેળવેલ છે. તેમના કાર્યકાળ દરમિયાન રૂ.પાંચ કરોડનાં ચાર જેટલા સંશોધન પ્રોજેક્ટો તૈયાર કરી સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.
નવસારી કૃષિ યુનિવર્સિટીનાં મુખ્ય કેમ્પસ નવસારી ખાતે આવેલ અદ્યતન ફૂડ કવોલિટી ટેસ્ટીંગ લેબોરેટરી ઊભી કરવાનું સંપૂર્ણ શ્રેય પણ ડો. ઝીણાભાઇ પટેલને જાય છે. આજે ઍ લેબોરેટરી રાષ્ટ્રીય કક્ષાઍ માન્યતા પ્રા કરેલ લેબોરેટરીઓ પૈકીની ઍક છે.
વર્ષ ૨૦૧૨માં તે વખતનાં મુખ્યમંત્રી અને હાલનાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ધ દ્રષ્ટિને લીધે ૬ જેટલી વધારાની ડીગ્રી કોલેજો બનાવવાનો નિર્ણય લેવાયો, જે પૈકી ડાંગનાં સંપૂર્ણ આદિવાસી વિસ્તાર વઘઈ ખાતે પણ કોલેજ મંજુર થઈ જેના પ્રથમ આચાર્ય તરીકે ડો.ઝીણાભાઈ પટેલની નિમણુંક કરવામાં આવી. વઘઈ જેવા જંગલ વિસ્તારમાં કોલેજ બનાવવાની કામગીરી ખૂબ જ કપરી હતી તેમ છતાં તેઓઍ સામે ચાલીને આ જવાબદારી સ્વીકારી ડો. ઝીણાભાઇ પટેલનાં અથાગ પ્રયત્નો થકી આજે વઘઈ કેન્દ્ર ખાતે ડીગ્રી કોલેજ, પોલીટેકનિક કોલેજ, ગર્લ્સ હોસ્ટેલ, બોઈઝ હોસ્ટેલ, સ્ટાફ કવાટર્સ, જીમ્નેશિયમ, પેરેન્ટ્સ ગેસ્ટહાઉસ અને રમત-ગમતનાં મેદાનો સહિતની અત્યાધુનિક સગવડો રૂપિયા ૨૦ કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે. ખૂબ જ ટૂંકા ગાળામાં આ કોલેજને આઈ.સી.ઍ.આર.(ન્યુ દિલ્હી) દ્વારા માન્યતા અપાવી વઘઈ કોલેજને રાષ્ટ્રીય કક્ષાઍ મૂકી છે. તદ્ ઉપરાંત રૂ.૪.૭૭ કરોડનાં ૬ જેટલા પ્રોજેકટો મંજુર કરાવીને શરૂ કરવામાં આવ્યા છે. આમ વઘઈ જેવા જંગલ અને અંતરિયાળ વિસ્તારમાં શૂન્યમાંથી સર્જન કરી કૃષિનું અદ્યતન કેમ્પસ બનાવવાનો સંપૂર્ણ શ્રેય ડો. ઝીણાભાઇ પટેલનાં ફાળે જાય છે.
ડો. ઝીણાભાઈઍ કૃષિ યુનિવર્સિટીમાં હંમેશ વિદ્યાર્થીઓ અને ખેડૂતોને નજરક સમક્ષ રાખીને કામ કર્યુ છે. તેમનું હકારાત્મક વલણ અને સૌની સાથે આદર અને પ્રેમ પૂર્વકનાં સંબંધો થકી તેઓ રાજયની ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં જાણીતા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!